stray cattle bill Gujarat Vidhansabha back – News18 Gujarati


ગાંધીનગર: ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે વિધાનસભા ગૃહમાંથી પાછું ખેંચવામાં આવ્યુ છે. રાજ્યપાલ તરફથી આ બિલ પુન:વિચારણા માટે પાછું મોકલવામાં આવ્યુ હતુ. જે બાદ આજે વિધાનસભા ગૃહમાંથી આ બિલને પાછું ખેંચવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આજ સવારથી જ માલધારી સમાજ દ્વારા દૂધનું વેચાણ બંધ કરીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસને લીધી આડે હાથે

રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આજે કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યુ કે, ‘કોંગ્રેસને આજે અમે અવારનવાર જણાવ્યુ કે, ગૃહની કામગીરીમાં ભાગ લો, ચર્ચા કરો. પરંતુ કોંગ્રેસની નકારાત્મક માનસિકતા છે. ગુજરાતની જનતા તેમને જાણી ગઇ છે. કોંગ્રેસનું પ્રજા વિરોધી માનસ છતુ થયુ છે. કેટલાક લોકોને ચૂંટણી આવે ત્યારે પ્રશ્નો યાદ આવે છે એમા કોંગ્રેસ પહેલા નંબરે છે. અમે સંવાદમાં માનીએ છીએ. બધાને અનુલક્ષીને ગુજરાત સરકારે નિર્ણયો લીધા છે.’

તેમણે આ અંગે પણ જણાવ્યું કે, બિલ પાસ થયુ તે દિવસથી જ મુખ્યમંત્રી આ અંગે ઘણાં સંવેદનશીલ હતા. તેઓ માલધારી સમાજ અંગે વિચારી રહ્યા હતા. આજે આ બિલને ગૃહમાંથી પરત ખેંચવામાં આવ્યુ છે.

સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ અપાઈ

ચૌદમી ગુજરાત વિધાનસભાના 11મા સત્રના પ્રથમ દિવસે ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહના દિવંગત પૂર્વ સભ્યોના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી સ્વ. ભગુભાઈ ગોમાનભાઈ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. તારાચંદ જગદીશભાઈ છેડા, તથા ગુજરાત રાજ્યના પૂર્વ સભ્ય સ્વ. સુરેન્દ્રસિંહ નેત્રપાલસિંહ રાજપૂત, સ્વ. ઘનશ્યામભાઈ વેલશીભાઈ ઠક્કર, સ્વ. ઈશ્વરભાઈ નરસિંહભાઈ વહિઆ, સ્વ. મગનસિંહ ચિમનસિંહ વાઘેલા અને સ્વ. ભરતભાઈ વશરામભાઈ ખેરાણીના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખોમાં આ સૌ દિવંગત સભ્યોની જાગતિક જન પ્રતિનિધિ અને પ્રજા સેવક તરીકેની સેવા ભાવના, કર્તવ્ય પરાયણતાનું સ્મરણ કર્યું હતું.

મહત્ત્વનું છે કે, માલધારી સમાજ દ્વારા આજે બુધવારે 21 તારીખે દૂધની હડતાળ પાળવામાં આવી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, અમારી તમામ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. ત્યારે રાજ્યમાં ગઇકાલ બપોર બાદ લોકોમાં ફફડાટ મચી ગયો હતો કે, બુધવારે દૂધ નહીં મળે. જેના કારણે મોટાભાગના લોકોએ મંગળવારે જ બુધવાર માટેનું દૂઘ સ્ટોર કરી લીધું હતુ. જોકે, આજે સવારે દૂધ રાબેતા મુજબ મળી રહી છે. રાજ્યનાં મોટા શહેરો અમદાવાદ, વડોદરામાં દૂધનું વેચાણ થઇ રહ્યુ છે. લોકોને કોઇપણ હાલાકી વગર સરળતાથી દૂધ મળી રહ્યુ છે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Politics, ગાંધીનગર, ગુજરાતSource link

Leave a Comment