Surat temple sant commits suicide inside campus


સુરત: સુરતના કતારગામ વિસ્તારના વેડ રોડમાં બેચરાજી માતાજીના મંદિરના પૂજારીએ આપઘાત કરી લીધો છે. મહંતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. બીજી તરફ મંદિરના ભક્તો તરફથી કહેવામાં આવ્યું છે કે, પૂજારીએ જાતે આવું પગલું ભર્યું હોય તેવું અમને માનવામાં આવતું નથી. આ મામલે ચોક બજાર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. નવરાત્રિ પહેલા જ મંદિરના આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર બેચરાજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં 25 વર્ષથી માતાજીની સેવા પૂજા કરતા મહંત શંભુનાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ માહિતી મંદિરના ભક્તો તેમજ મંદિરની આસપાસ રહેતા લોકોને થતા તેઓ તાત્કાલિક મંદિરે દોડી આવ્યા હતા. મંદિરના મહંતે આપઘાત કરતા ભાવિકોમાં દુઃખની લાગણી પ્રસરી હતી.

નવરાત્રીને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે મહંતે નવરાત્રી અગાઉ જ માતાજીના મંદિરના પરિસરમાં આપઘાત કર્યો હોવાને લઈ ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આ ઘટનાની જાણ ચોક બજાર પોલીસને થતા ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: પત્ની હોવા છતાં પતિએ જૂની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા અને…

બીજી બાજુ મંદિરના ભક્તોનું કહેવું છે કે, મહારાજ પ્રણામી ધર્મના સ્નાતક હતા અને 25 વર્ષથી તેઓ સેવા પૂજા કરતા હતા. આ વાત સાંભળીને ખૂબ જ નવાઈ લાગે છે. મહંતે કયા કારણોસર આપઘાત કર્યો છે તેની પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે મહંત શંભુનાથ મૂળ નેપાળના વતની હતા અને સ્વભાવથી ખૂબ જ ખુશ હતા. ભાવિકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, તેમણે જાતે આ પગલું ભર્યું હોય તેવું અમને માનવામાં આવતું નથી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vinod Zankhaliya

First published:

Tags: Temple, ગુનો, પોલીસ, સુરત



Source link

Leave a Comment