બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજની અંદાજે 2,50 લાખ વસ્તી છે, આ વિસ્તારમાં વસવાટ કરતા રબારી સમાજમાં આજે પણ શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને આજે પણ આ સમાજનાં લોકોમાં સાટા પ્રથા, બાળ લગ્ન, અફીણ પ્રથા, મોત પ્રસંગે છાજીયા, મોત પ્રસંગે ખોટા ખર્ચા, લગ્નમાં ખોટા ખર્ચા, સોનાના દાગીના પ્રથા જેવા અનેક કુરિવાજો જોવા મળી રહ્યા છે.
પરંતુ રબારી સમાજનાં જ નરશીભાઈ હાથીભાઈએ પોતાના સમાજનાં લોકોને જાગૃત કરવાનું નક્કી કર્યું છે. નરશીભાઇ બનાસકાંઠા જિલ્લામાં વસતા રબારી સમાજનાં લોકોનાં કુરિવાજો દૂર કરવા સમજાવી રહ્યા છે. આ માટે તેઓ શિબિર, રૂબરૂ ઘરે જઈને માહિતી આપી રહ્યા છે.
સમાજ માટે નોકરીમાંથી આપ્યું રાજીનામુ
નરશીભાઈ ડીસા તાલુકાનાં બાઇવાડા ગામમાં રહે છે અને તેઓ રેલવે પોલીસમાં ફરજ બજાવતા હતા, જો કે પોતાના સમાજમાંથી બદીઓ દૂર કરવા માટે નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને સમાજસેવા શરુ કરી, તેઓ રબારી સમાજની દીકરીઓને શિક્ષણ આપવા સમજાવી રહ્યા છે. કુરિવાજોને દૂર કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે.
નરશીભાઈએ ગોપાલક સેના શરુ કરી જેમાં અનેક યુવાનો જોડ્યા જેઓ ગામડે ગામડે જઈ શિબિરો કરી લોકોને કુરિવાજોમાંથી દૂર કરવા જાગૃત કરી રહ્યા છે. તો રબારી સમાજનાં સહયોગથી શિક્ષણ રથ શરુ કર્યો જે બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજનાં લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે ગામડે ગામડે ફરી રહ્યો છે.
નરશીભાઈનાં પ્રયાસથી રબારી સમાજમાં અસર જોવા મળી
નરશીભાઈનાં આ અભિયાનની ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લાનાં રબારી સમાજના લોકોમાં અસર જોવા મળી રહી છે, યુવક અને યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવતા થયાં છે અને સરકારી નોકરીની તૈયારી પણ કરી રહ્યા છે. તો નરશીભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ અભિયાનની શરૂઆત થતા રબારી સમાજના લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થયા છે.
હાલ બનાસકાંઠા જિલ્લામાં સમાજનાં સહયોગથી રબારી સમાજ માટે શિક્ષણ શંકુલ બની રહ્યું છે. તેમજ સરકારી ભરતીના કલાસ પણ ચાલી રહ્યા છે. હજુ પણ જે લોકો જુના કુરિવાજો સાથે સંકળાયેલા છે, તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃત નથી તેવા લોકો પાસે જઈ તેમને પણ તેમના અભિયાનમાં જોડવાનાં પ્રયાસો ચાલુ રહેશે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Society