નવરાત્રી સમયે લાખો ભાવિકો કચ્છ ધણીયાણી મા આશાપુરાના ધામ માતાના મઢ ખાતે દર્શને પહોંચે છે. તો પગપાળા આવતા ભક્તો પણ નવરાત્રિના ચારથી પાંચ દિવસ અગાઉથી જ દર્શન કરવા પહોંચવાનો શરૂ થઈ જતા હોય છે. તેવામાં આ સર્વે ભાવિકો ભુજ આશાપુરા મંદિરે પણ અચૂક દર્શન કરે છે. તો સ્થાનિક લોકો પણ મોટી માત્રામાં નોરતા સમયે ભુજ મંદિરે દર્શન કરે છે.
આવામાં માતાજી પર ચડાવવામાં આવતા સોના ચાંદીના આભૂષણો તેમજ મંદિરના અન્ય ચાંદી તેમજ પિત્તળના દરવાજા, મૂર્તિઓ અને વાસણોની સોની સમાજ દ્વારા પરંપરાગત રીતે સફાઈ કરવામાં આવે છે. નવરાત્રી શરૂ થાય તેના એક અઠવાડિયા પૂર્વે જ ભુજના સોની સમાજના યુવાનોની લઈને વૃદ્ધ તેમજ બાળકો પણ આ સેવા કાર્યમાં જોડાય છે.
પેઢી દર પેઢી લોકો આ સફાઈ કાર્યમાં જોડાઈ નવરાત્રી માટે માતાજીની સેવા કરવા એક વિશેષ યોગદાન આપે છે. મુખ્યત્વે સોના ચાંદીના વેપારમાં જોડાયેલી સોની જ્ઞાતિના લોકો મંદિરના સોના ચાંદીના આભૂષણોની પારંપરિક ઢબે સફાઈ કરે છે. દર વર્ષે આવતી ચાર નવરાત્રીમાંથી આસો અને ચૈત્ર નવરાતત્રીમાં માતાજીના કળશથી લઈને મંદિરના દરવાજા, માતાજીનો સિંહાસન, મયૂરાસન. અને છત્રની સફાઈ કરવામાં આવે છે.
આ પણ વાંચો: એક એવું ગામ કે જ્યાં કોઈ ઘર પર નથી છત: પાક્કી છત બનાવતા ડરે છે લોકો, જાણો શું છે કારણ
આ માટે સૌપ્રથમ આભૂષણોને આંબલીના પાણીમાં રાખી તેને રેતીથી ઘસીને સાફ કરવામાં આવે છે જેથી ઘી અને ધૂપથી પડેલી કાળાશ નીકળી જાય. રેતીથી તેને ઘસ્યા બાદ અરીઠાના પાણીમાં તેને ધોવામાં આવે છે જેથી તે વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય અને તેના પરની ચમક પરત આવે છે.
આ સફાઈ કાર્યમાં અનેક લોકો દાયકાઓથી અવિરત પણે સેવા આપે છે. ભુજના જ વિજય બુદ્ધભટ્ટીના પૂર્વજો ત્રણ પેઢી આ સફાઈ કાર્યમાં જોડાયા હતા તો વિજયભાઈ પોતે પણ 47 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kutch, Kutch news, Kutch Samachar, Navratri 2022, કચ્છ સમાચાર, નવરાત્રી