- કન્યાકુમારીથી જમ્મુ-કાશ્મીર સુધીની ‘ભારત જોડો યાત્રા‘નું નેતૃત્વ કરી રહેલા રાહુલ કમાન સંભાળવાના મૂડમાં નથી
નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર 2022, મંગળવાર
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે નામાંકન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને લઈને સ્થિતિ કંઈક અંશે સ્પષ્ટ થઈ રહી છે. જોકે, વાયનાડના સાંસદ રાહુલ ગાંધી મેદાનમાં ઉતરશે કે નહીં? તે હજુ સ્પષ્ટ નથી. બીજી તરફ G-23 નેતાઓમાં સામેલ રહેલા શશિ થરૂર આ પદ પર દાવો રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગાંધી પરિવારના નજીકના ગણાતા અશોક ગેહલોત પણ રેસમાં આગળ છે.
થરૂર ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે. જોકે, તેમણે આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ નથી કરી. તાજેતરમાં તેઓ વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. બેઠક દરમિયાન તેમણે પાર્ટીના પ્રમુખને અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની ઈચ્છા વિશે જણાવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોનિયા તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, તે કોઈ ઉમેદવારને ખાસ સમર્થન નહીં આપે. મહત્વની વાત એ છે કે, તિરુવનંતપુરમના સાંસદ પણ અધ્યક્ષની ચૂંટણીમાં પારદર્શિતાને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, જે કોઈ ચૂંટણી લડવા માંગે છે તે મુક્ત અને તેમનું સ્વાગત છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધીનું આ સતત વલણ રહ્યું છે. તે એક ખુલ્લી લોકશાહી અને પારદર્શક પ્રક્રિયા છે. ચૂંટણી લડવા માટે કોઈને કોઈની પરવાનગીની જરૂર નથી. થરૂરે સોમવારે એક ઓનલાઈન પિટિશનની દલીલ કરી હતી જેમાં પાર્ટીના યુવા સભ્યોએ સુધારાની માંગ કરી છે અને કહ્યું છે કે, પ્રમુખ પદ માટેના દરેક ઉમેદવારે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જો તેઓ ચૂંટાઈ આવશે તો તે ઉદયપુર નવસંકલ્પનો સંપૂર્ણ અમલ કરશે.
અશોક ગેહલોત સાથે થશે મુકાબલો?
એવી અટકળો ચાલી રહી હતી કે, જો રાહુલ ચૂંટણી નહીં લડે તો સીએમ ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ઉતરી શકે છે. જોકે, તેઓ રાહુલની કમાન સંભાળવાની બાબતને પણ સતત સમર્થન આપી રહ્યા છે અને શનિવારે જ રાજસ્થાન કોંગ્રેસે આ અંગે ઠરાવ પસાર કર્યો હતો.
રાહુલ ગાંધીનો મૂડ શું છે?
કન્યાકુમારીથી જમ્મુ-કાશ્મીર સુધીની ‘ભારત જોડો યાત્રા’નું નેતૃત્વ કરી રહેલા રાહુલ કમાન સંભાળવાના મૂડમાં નથી. પાર્ટીના નેતાઓ પ્રમુખ બનવા માટે સતત અપીલ કરી રહ્યા છે પરંતુ તેઓ ઈચ્છુક નથી. હાલમાં વાયનાડ સાંસદ ઉપરાંત માત્ર થરૂર અને ગેહલોતના નામ સામે આવ્યા છે. હવે આવી સ્થિતિમાં જો રાહુલની એન્ટ્રી થાય છે તો પરિસ્થિતિ પલટાઈ શકે છે કારણ કે, લગભગ 7 રાજ્યોના કોંગ્રેસ એકમે તેમને પ્રમુખ બનાવવાની બાબતને સમર્થન આપ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી કાર્યક્રમ
પાર્ટીમાં ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ 17 ઓક્ટોબરે અધ્યક્ષ પદ માટે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. મહત્વની વાત એ છે કે, લાંબા સમય બાદ કોંગ્રેસે કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કે CWCમાં પણ ચૂંટણીનું એલાન કરી દીધું છે.