- વેજળકા ગામે વાડી વિસ્તારમાં જૂગટું ખેલાતું હતું
- રાણપુર પોલીસે વેજળકા, ભીમનાથ, ચંદરવા અને ખડોળ ગામના શખ્સોને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લોકઅપ હવાલે કર્યા
ભાવનગર : રાણપુરા તાલુકાના વેજળકા ગામ સિમાડે લાઈટના અંજવાળે હારજીતનો જુગારની બાજી માંડી બેસેલા વેજળકા, ભીમનાથ, ચંદરવા અને ખડોળ ગામના શખ્સોએ રાણપુર પોલીસે મળેલ બાતમી આધારે રેઈડ કરી તમામને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા હતા.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર રાણપુર પોલીસ સ્ટાફ પોસ્ટે વિસ્તારમાં ગત રાત્રીના નાઈટ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, બોટાદ જિલ્લાના વેજળકા ગામે સિમાડા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં લાઈટના અંજવાળે શખ્સો હારજીતની જુગારની બાજી માંડી બેઠા છે. જે હકીકત આધારે રાણપુર પોલસે મોડી રાત્રીના ૨.૩૦ કલાકના અરસા દરમિયાન રેઈડ કરી તપાસ હાથ ધરતા જાહેરમાં પૈસા પાના વડે તિનપત્તીનો જુગાર રમતા ગંભુ નારણભાઈ નંડાયા (ઉ.વ. ૩૫, રે. વેજળકા, તા. રાણપુર), ભરત મનજીભાઈ દેત્રોજા (ઉ.વ. ૬૨ રે. ભીમનાથ રેલ્વે સ્ટેશન તા. બરવાળા), રમેશ સવજીભાઈ સીતાપરા (ઉ.વ. ૩૯ રે. ચંદરવા તા. રાણપુર), દિલીપ કાળુભાઈ સીતાપરા (ઉ.વ. ૪૦ રે. ખડોળ તા. ધંધુકા જિ. અમદાવાદ), ભીમજી સામતભાઈ વેકરીયા (ઉ.વ. ૩૭ રે. ચંદરવા, તા. રાણપુર) મળી આવતા તમામને રાણપુર પોલીસે રંગેહાથ ઝડપી લઈ શખ્સોના કબજામાંથી રોકડ, જુગાર સાહિત્ય બરાતમ કરી શખ્સો સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.