શહેરભરના પુરૂષોએ ધામધૂમથી છૂટાછેડાની ઉજવણી કરવા છપાવ્યા કાર્ડ, પછી પડ્યો રંગમાં ભંગ



- 18 પુરૂષોએ આશરે 2.5 વર્ષ સુધી ડિવોર્સ માટેની લાંબી કાયદાકીય લડત આપી હતી અને તેમની નવી જિંદગીની ઉજવણી કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ભોપાલ, તા. 17 સપ્ટેમ્બર 2022, શનિવાર

સામાન્ય રીતે આપણે બાળકના જન્મ પહેલા શ્રીમંત, ત્યાર બાદ તેના જન્મ, નામકરણ, કોઈ સિદ્ધિ, સગાઈ, લગ્ન સહિતના પ્રસંગો આપણાં સગાં-વ્હાલાઓ અને ઓળખીતાઓ સાથે ઉજવતા હોઈએ છીએ. પરંતુ ભોપાલના એક બિનસરકારી સંગઠને (NGO) છૂટાછેડા થઈ ગયા હોય તેવા એટલે કે, ડિવોર્સી પુરૂષો માટે ‘વિવાહ વિચ્છેદ સમારંભ’નું આયોજન કર્યું હતું.

વિરોધ બાદ રદ્દ થયો કાર્યક્રમ

સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પર આ કાર્ડને શેર કરવામાં આવ્યું હતું અને તે ખૂબ જ વાયરલ બન્યું હતું. ‘ભાઈ વેલફેર સોસાયટી’ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છૂટાછેડા બાદ જિંદગીનો અંત નથી આવતો તેવો મેસેજ આપવાનો હતો. જોકે કેટલાક સંગઠનો દ્વારા અને લોકો દ્વારા આ પ્રકારના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો જેથી આખરે તે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

છૂટાછેડાની ઉજવણીનું કારણ

‘ભાઈ વેલફેર સોસાયટી’ એ છૂટાછેડાના કેસનો સામનો કરી રહેલા પુરૂષો માટે હેલ્પલાઈન ચલાવે છે. આ સંગઠનના કાર્યકરોએ જણાવ્યું કે, છૂટાછેડાની ઘટના પુરૂષોને નાણાકીય રીતે, સામાજીક રીતે, પારિવારિક રીતે અને માનસિક રીતે તોડી નાખતી હોય છે. માટે જ્યારે કોઈ વ્યક્તિને મુક્તિ મળે છે ત્યારે તેની ઉજવણી પણ થવી જોઈએ.

લગ્ન વિચ્છેદની વિધિઓનો ઉલ્લેખ

‘વિવાહ વિચ્છેદ સમારંભ’ના આમંત્રણ કાર્ડમાં લગ્ન વિચ્છેદની વિધિઓ જેમ કે, જયમાલા (લગ્નના હાર)નું વિસર્જન, પુરૂષોની સંગીત વિધિ,સદબુદ્ધિ શુદ્ધિકરણ યજ્ઞ તથા મનુષ્ય જીવનના ગૌરવ માટે 7 ફેરા અને વચનોનું આયોજન દર્શાવવામાં આવ્યું હતું.

રિસોર્ટમાં હતું આયોજન

ભોપાલના બહારી વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં 18 સપ્ટેમ્બરના રોજ સવારના 11:00 વાગ્યાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંગઠનના આશરે 200 જેટલા સદસ્યો હાજરી આપવાના હતા.

આ કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે, તેઓ મહિલાવિરોધી નથી પરંતુ તેઓ જે પ્રકારે પુરૂષો સામે કાયદાઓનો દુરૂપયોગ થઈ રહ્યો છે તેને અટકાવવા ઈચ્છે છે. જોકે કેટલાક સ્થાનિક હિંદુ સંગઠનોએ આ કાર્યક્રમના વિરોધમાં પ્રદર્શનો કર્યા હતા જેથી કાર્યક્રમનું આયોજન રદ્દ કરવામાં આવ્યું છે.

લાંબી કાયદાકીય લડત બાદ 18 પુરૂષોને મળ્યા છૂટાછેડા

સંગઠનના કાર્યકરોના કહેવા પ્રમાણે તેમને તેમની આ અંગત ઉજવણી સામે કોઈ રાજકારણ નથી જોઈતું. અમુક સંગઠનોના વિરોધ બાદ રિસોર્ટના માલિકે બુકિંગ રદ્દ કરી દીધું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એવા 18 પુરૂષોની મુક્તિની ઉજવણી કરવાનો હતો જે છૂટાછેડાની આશરે 2.5 કરતાં પણ વધારે વર્ષોની કાયદાકીય લડતમાંથી પસાર થયા હતા.

જેમના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે તમામ 18 પુરૂષો દહેજ પ્રતાડના, ભરણ-પોષણ માટેની 125 CrPCની કલમ, ઘરેલુ હિંસા (DV 2005) ની કલમો અંતર્ગતના છૂટાછેડાના કેસમાં વિજયી બન્યા હતા. આ કારણે ભોપાલની ‘ભાઈ વેલફેર સોસાયટી’એ દેશના પ્રથમ ‘વિવાહ વિચ્છેદ સમારંભ’નું આયોજન કર્યું હતું.



Source link

Leave a Comment